ગાંધીનગરઃ શહેરમાં દિવાળી દરમિયાન મીઠાઈ ફરસાણોમાં ભેળસેળ મોટા પ્રમાણમાં થતી હોય છે. ત્યારે ભેળસેળ અને તેની ગુણવતાને લઇને સવાલો ઉભા થાય છે ત્યારે રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તેના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન 8 લાખ 89 હજારની કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. જયારે 9 લાખ 67 હજારની કિંમતના અખાદ્ય જથ્થાનો નાસ કરાયો હતો.

દિવાળીના તહેવારો એટલે ફટાકડાની સાથે મીઠાઈ ફરસાણની લિજ્જત માણવાના દિવસો, પરંતુ આ દિવસો દરમિયાન તેની માગ વધી જતા મીઠાઈ ફરસાણની કિંમત અને ગુણવતા શંકાના દાયરામાં આવી જતી હોય છે. તો આ તરફ ખોરાક અને ઓષધ નિયમન વિભાગ આ દિવસો દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરી આ બનાવટોના નમૂનાની લઇ ચકાસણી કરતા હોય છે.

વિભાગે કરેલા દાવા પ્રમાણે દિવાળીના તહેવારોના આગળ દિવસોમાં 1 હજાર 569 નમૂના લેવામાં આવ્યા હતા. જયારે કે 3 હજાર 241 નમૂનાઓનું ટેસ્ટીંગ કીટ દ્વારા સ્થળ પર પરીક્ષણ કરાયું હતું. જેમાં દૂધ, ઘી, માવા, મીઠાઈ, ફરસાણ, અને ખાદ્ય તેલથી માંડી બેકરીની બનાવટ સહિત તૈયાર ખોરાકનો પણ સમાવેશ થાય છે. તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઝુંબેશમાં કુલ 8 લાખ 89 હજારની કિંમતનો 8576 કિલો ગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો. જયારે કે 9 લાખ 67 હજારની કિંમતના 7120 કિલોગ્રામ જથ્થાની ગુણવતા નબળી જણાતાં, અખાદ્ય જણાતા તેનો નાશ કરાયો છે.