ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળની બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સંવર્ગ પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. 13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાવાની હતી. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
જોકે, પરીક્ષા રદ કરવામાં આવતાં હવે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વધુ એક વખત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવામાં નાપાસ થયું છે. છેલ્લી ઘડીએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષાર્થી નિરાશ થયા છે. પરીક્ષામાં ત્રીજી વખત મુદત પડતા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પરીક્ષાના 4 દિવસ પહેલા અચાનક નિર્ણય લેવાતા પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
ગૌણ સેવા પસંદગી મંડળના આયોજનના અભાવે પરીક્ષાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લી ઘડીએ પરીક્ષા કેમ રદ કરાઈ તે મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ચેરમેનના રાજીનામા બાદ પરીક્ષા મુદ્દે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાથી પરીક્ષા મોકૂફ રખાઈ હોવાની ચર્ચા છે. જો અસિત વોરાનું રાજીનામું લેવાનું નિશ્ચિત હતું તો કેમ પરીક્ષાની તારીખ અગાએઉ જાહેર કરી નાંખી તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3ની પરીક્ષા આવતા રવિવારના રોજ યોજાવાની હતી. જો કે હવે આગામી દિવસોમાં નવી તારીખ જાહેરાત કરવામાં આવશે. 3 વર્ષ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આવતી કાલે યોજાવા જઈ રહી હતી. અગાઉ 20 ઑક્ટોબર, 2019 અને 17 નવેમ્બર, 2019ના રોજ પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
3901 જગ્યાઓ માટે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવનાર હતી. 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામા બેસનાર હતા. આ પરીક્ષા ફરી એક વખત મોકૂફ રહી છે. આ અગાઉ બે વખત આજ પરીક્ષા મોકૂફ રખાઈ હતી.
હેડ ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર 2.43 લાખ પૈકી 88 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા યોજાયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે પેપર લીક થયું હોવાનું જાહેર કરતાં, પહેલાં તો ગૌણ સેવા પસંદગી મંડળે ઇન્કાર કર્યો હતો અને સરકારે પણ આક્ષેપો ફગાવ્યા હતા. પરંતુ પુરાવા ચકાસ્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.