ગાંધીનગર: ગાંધીનગરના મોટા ઝલુદ્રા ગામેથી કેમિકલથી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે રેડ કરી બનાવટી ઘીનો 1450 કિલોથી વધુ જથ્થો પકડી પાડ્યો છે. ગાંધીનગર LCB દ્વારા ઝલુદ્રા ગામમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરી ઉપર રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે મોટા પાયે અહીં બનાવટી ઘી બનાવવામાં આવી રહ્યું છે. પોલીસે રેડ કરી ત્યારે  બનાવટી ઘીના ડબ્બા, મશીન, કિંમત  લખવા માટેનું મશીન અને બનાવટી ઘી માં વપરાતા કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર બનાવટી ઘી બનાવવા માટે ડાલ્ડા ઘી, દૂધની મલાઈ અને કેમિકલનું મિશ્રણ કરીને ઘી બનાવવામાં આવતું હતું. બનાવટી ઘી બનાવવા માટે વપરાતા કેમિકલના પાંચ કિલોનો ડબ્બો રૂપિયા 15000 નો લાવવામાં આવતો હતો. આ પાંચ કિલોના ડબ્બામાંથી એક હજાર કિલોથી વધારે બનાવટી બનાવવામાં આવતું હતું. પોલીસ દ્વારા આ અગાઉ પણ આ ફેક્ટરીમાં રેડ કરીને બનાવટી ઘી બનાવવા માટેના સાધનો અને રૂપિયા એક લાખ 75 હજાર નું બનાવટી ઘી પકડી પાડવામાં આવ્યું હતું.

પોલીસે રેડ કરતાં ફેક્ટરીના માલિક રાકેશ આચાર્ય અને કર્મચારીઓ ભાગી છૂટયા હતા. પોલીસે FSLની મદદ લઈને બનાવટી ઘી અને ચકાસણી માટે મોકલી આપ્યું છે. જ્યારે આ સમગ્ર બનાવ સંદર્ભે ગુનો નોંધી ભાગી છૂટેલા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.