ગાંધીનગરઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ધોરણ 10નું પાંચ વર્ષનું સૌથી ઓછું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 66.67 % પરિણામ આવ્યું હતું. બનાસકાંઠાના સપરેડા કેંદ્રનું સૌથી વધુ 94.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી કેંદ્રનું સૌથી ઓછું 14.9 ટકા પરિણામ આવ્યું છે.


વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે. જ્યારે 291 શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 174 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. પરિણામ સવારે 6 વાગ્યાથી ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ધોરણ 10નું પરિણામ વહેરી સવારે 6 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાય છે.

હવે આગામી 15મી જૂન આસપાસ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવે તેવું બોર્ડના સૂત્રો જણાવી રહ્યા છે. લોકડાઉનના હિસાબે આ વખતે મૂલ્યાંકન કામગીરી એકવાર સ્થગિત કર્યા પછી ફરીથી શરૂ કરી હોવાથી થોડો વિલંબ થયો હતો. જોકે હાલમાં બોર્ડ દ્વારા પ્રથમ ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદમાં માર્કશીટ અપાશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નહીં હોય તેવા વિદ્યાર્થીઓના ગુણ ચકાસણી માટેના ફોર્મ પણ પાંચ દિવસ પછી ભરવાના શરૂ થશે જેની બોર્ડ દ્વારા જાહેરાત કરાશે.

જોકે આ વખતે પ્રથમ વખત ગુણ ચકાસણી અને જુલાઈમાં લેવાનાર પૂરક પરીક્ષાના ફોર્મ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. હાલમાં સાયન્સના ફોર્મ ઓનલાઇન સ્વીકારાય છે.