ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા હાલ પુરતી રદ્દ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે પરીક્ષા રદ્દ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની ભરતી કુલ 3738 જગ્યાઓ માટે 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. જેમાં કુલ 10 લાખ 45 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. જો કે સરકારના આદેશ બાદ હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.

33 જિલ્લાના 3100 થી વધારે પરિક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર હતી. પરીક્ષા રદ કરાઈ તે અંગે તમામ જિલ્લાના નિવાસી એડિશનલ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીએ ને સૂચના આપી દેવાઈ છે. આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ અને ઓજસની વેબ સાઈટ ઉપર સૂચના અપલોડ કરવામાં આવી છે.