ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંગળવારે સાંજે રાજ્યના 3 આઈપીએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો હતો. આ બદલીઓમાં સૌથી ધ્યાન ખેંચે એવી બદલી મહેસાણાના એસપી તરીકે ફરજ બજાવતાં મનિષ સિંઘની છે. મનિષ સિંઘને મહેસાણા જિલ્લાના પોલીસ વડાપદેથી ઉઠાવીને એસઆરપી ગ્રુપ 4 દાહોદ ખાતે મૂકી દેવામાં આવ્યા છે.


મનિષ સિંઘના સ્થાને પોરબંદરના એસ.પી. તરીકે ફરજ બજાવતા પાર્થિવરાજસિંહ ગોહિલને મૂકાયા છે. ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવતાં તેમના સ્થાને રાજકોટ DCP ઝોન-1 રાજ મોહન સૈનીને મૂકવામાં આવ્યા છે. રાજકોટ DCP ઝોન-1 રાજ મોહન સૈનીની બદલી પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે.

એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘ દ્વારા તમામ બદલીઓનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ બદલીઓ પરથી સ્પષ્ટ છે કે, કડી પોલીસનો દારૂકાંડ મહેસાણા એસપીને નડી ગયો છે. કડીમાં પોલીસે જપ્ત કરેલો દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ઘટના બહાર આવતાં ખળભળાટ મચ્યો હતો. આ ઘટનામાં મહેસાણા જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે સવાલો ઉઠતાં તેમને બદલી દેવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. મનિષ સિંઘને ’ સજા’ રૂપે SRPમાં મૂકાયાની ચર્ચા ચાલી રહી છે. પોરબંદર SP પાર્થિવરાજસિંહ ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવતાં હવે આ દારૂકાંડની તપાસમાં એ શું કરે છે તેના પર સૌની નજર છે.