ગાંધીનગરઃ વિધાનસભામાં આજે ચોમાસુ સત્રના બીજા દિવસની ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે. વિધાનસભા ગૃહમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય  વચ્ચે શાબ્દીક યુધ્ધ થયું હતું. બિન અનામત આયોગ પર ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે પ્રશ્ન પુછતા સમયે પ્રતાપ દુધાતે કહ્યું, આનંદીબેન ગયા એમા તો..., દુધાતની કોમેન્ટ પર શાહે ઉશ્કેરાઇને દુધાતને કહ્યું હજુ ત્યાં જ તમારે બેસવાનું છે. જેટલા વર્ષ થયા એટલું બેસવું પડશે. કેટલા ગયા એ તો ત્યારે જ ખબર પડશે. અનામતનો મુદ્દો તમારી પાસે નથી રહ્યો એટલે આવા મુદ્દાઓ લાવો છો. આ સમયે અધ્યક્ષ ડો. નીમાબેને રાકેશ શાહને ટકોર કરતા કહ્યુ તમે માત્ર પ્રશ્ન પુછો.



11 કર્મચારીઓ-અધિકારીઓને કોરોના વોરિયર્સ તરીકે 50 લાખ સહાય ચૂકવાઈ



અમદાવાદ શહેરમાં 31 ઓગસ્ટ 2021ની સ્થિતિએ 14 આરોગ્ય કર્મચારીઓ અધિકારીઓના મૃત્યુ થયા. 11 કર્મચારીઓ-અધિકારીઓને કોરોના વોરિયર્સ તરીકે 50 લાખ સહાય ચૂકવાઈ. અમદાવાદ શહેરમાં 1 કોરોના વોરિયરને રકમ ચૂકવવાની બાકી. ધારાસભ્ય ગ્યાસુદિન શેખના પ્રશ્ન પર સરકારનો જવાબ.



આજે  સવારે 10 વાગ્યાથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનીક સંસદીય બાબતો, આરોગ્ય, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2019-20નો કેગનો અહેવાલ રજુ થશે. વિવિધ સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ બાબતે પણ અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે.


આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે. જીગ્નેશ કુમાર સેવક છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. વૃક્ષારોપણ થકી ઓક્સિજન પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અતારાંકિત પ્રશ્નો પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે.