Gujarat Assembly : હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો કે, છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યકમ માટે આમ જનતાને લાવવા-લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે આપવામાં આવી હતી ? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની રકમ હજુ કેટલી આપવાની બાકી છે ? એક એસટી બસ દીઠ કિલોમીટર કેટલું ભાડું ચૂક્વ્યુ છે. જેના જવાબમાં જણાવાયું છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યકમમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે હજુ 53 કરોડ 81 લાખ 21 હજાર 895 રૂપિયા રકમ હજુ એસટી વિભાગે સરકાર પાસેથી વસુલવાની બાકી છે.


રાજ્યમાં ૧૪માં નાણાપંચના કામો સત્વરે પૂર્ણ કરાશે: પંચાયત રાજય મંત્રી બચુભાઈ ખાબડ

રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ કામોનું પારદર્શી રીતે આયોજન થાય તે માટે કેન્દ્રના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા ઈ-પંચાયત મિશન મોડ હેઠળ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર સંપૂર્ણ પારદર્શી રીતે વિકાસના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતને ફાળવેલ ગ્રાન્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ખાબડે ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧૪માં નાણાપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૯૮.૨૫ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૧૯.૧૦ લાખની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવી છે.જેમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૯૮.૪૪. લાખ અને ૨૦૨૨- ૨૩માં ૯૨.૭૨ લાખની ગ્રાન્ટ વપરાઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૯૯.૮૪ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૨૬.૩૮ લાખની ગ્રાન્ટ વણ વપરાયેલ છે.વણ વપરાયેલ ગ્રાંટનું મહત્વનું કારણ દેશમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોના, ચૂંટણીની આચારસંહિતાના પરિણામે વણ વપરાઈ છે. આ કામો હવે સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.

૧૫માં નાણાપંચ હેઠળના કામોના આયોજન અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ૧૫માં નાણાપંચ હેઠળ જે નાણાકીય ફાળવણી કરાઈ છે જે અંતર્ગત હાથ ધરાનાર કામો પારદર્શી રીતે થાય તે માટે ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. તેમજ વિકાસના કામોના આયોજન માટે ટેન્ડર પ્રકિયાઓમાં થતા સુધારાઓ માટે પણ સંપૂર્ણ માર્ગદર્શિકાઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને પહોંચાડી દેવાઈ છે. તે મુજબ નવા આયોજનનો હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


ગુજરાત સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કેટલા કરોડની થઈ આવક ?


હાલ ગુજરાત વિધાસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કરોડોની આવક થઈ છે. છેલ્લા બે વર્ષે માં 18 હજાર 409 કરોડની આવક થઈ છે, 2021ના વર્ષ કરતા વર્ષે 2022માં 28 ટકા આવકમાં વધારો થયો છે. વર્ષે 2023માં 25 ટકા વધુ આવક થવાનો રાજય સરકારનો અંદાજ છે.


સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ


રાજ્યના સામન્ય વહીવટ વિભાગમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે. સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ છે. સામન્ય વહીવટ વિભાગમાં 268 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.