Gujarat Assembly Season: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.  જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સિંહોના કુદરતી અને અકુદરતી મૃત્યુના આંકડા  અંગે સવાલ પૂછ્યો હતો. જેનો વન અને પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જે મુજબ વર્ષ 2020 - 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 - 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ 2022 - 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 - 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.


એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. આપણને સ્વાભવિક એક પ્રશ્ન થાય કે હિંદુસ્તાનમા કોઇ પણ જગ્યાએ નહીં અને ગીર જંગલમા જ સિંહની વસ્તી કેમ? આનું કારણ કાળક્રમે પૃથ્વીમાં થયેલી ઉથલપાથલ છે. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો. ભયંકર ભુકંપ આવવાને કારણે આફ્રિકા ખંડ જ્યાં સિંહોની વસ્તી હતી તે ભૂભાગની પ્લેટ ખસી ગઇ અને આફ્રિકાનો સિંહની વસ્તી વાળો ભાગ એશિયાખંડ્મા હિન્દુસ્તાન સાથે જોડાઇ ગયો અને ગીર સિંહોનું રહેઠાણ બની ગયું.


એશિયાઇ સિંહએ બિલાડી વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહે એ ભારતમાં જોવા મળતી 5 “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દીપડો અને ધબ્બેદાર દીપડો વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.


આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.