Gujarat BJP And Congress Political News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, ચૂંટણી પહેલા એકબાજુ રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત થઇ રહી છે, તો બીજીબાજુ કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે. કોંગ્રેસ પાર્ટીને આજે બે મોટા ઝટકા લાગ્યા છે, સવારે અંબરીશ ડેર અને અત્યારે સાંજે અર્જૂન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે.
અર્જૂન મોઢવાડિયાએ આજે ગાંધીનગર જઇને પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં જ ખુલાસો કરી દીધો હતો કે, હું આજે રાજીનામું આપી રહ્યો છું. આ પછી અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામુ ધરી દીધુ હતુ. અર્જૂન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે, સાથે સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સવારે કોંગ્રેસના અંબરીશ ડેરે રાજીનામુ આપ્યુ હતુ.
કોણ છે અર્જૂન મોઢવાડિયા
અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું પીઠ બળ છે.
કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસે 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા હતા સસ્પેન્ડ
કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા છે. જોકે અમરીશ ડેર આજે જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. કૉંગ્રેસના અમરીશ ડેરે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે. રાજુલાની બેઠક પર અમરીશ ડેરને ભાજપ ઉમેદવાર બનાવશે. રાજુલાના MLA હીરા સોલંકીને લોકસભા વડાનાય તેવી ચર્ચા છે. હીરાભાઈ સોલંકી સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે. માયાભાઈ આહીરની હાજરીમાં ડેર-પાટીલની મુલાકાત થઈ હતી. અમરીશ ડેર આહિર સમાજના મોટા રાજનેતા છે.
ઉલ્લેખનીય છે કે, અંબરીશ ડેરની આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત થઇ ગઇ હતી, જે પછી રાજીનામાની આ તમામ અટકળો અને વાતો વહેતી થઇ હતી. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાઈ એવી શક્યતા છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ નેતા અંબરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે અંબરીશ કેસરિયો ખેસ ધારણ કરશે. સુત્રો અનુસાર, અમરેલીના ધારાસભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અમરેલીના ધારાસભ્યો સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે. ખાસ વાત છે કે, રાજુલા બેઠકથી અંબરીશ ડેર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જોકે, બીજીબાજુ રાજુલાથી હીરાભાઈ સોલંકી રાજીનામું આપી શકે છે અને હીરાભાઈ સોલંકી ભાવનગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.