ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કિસાન બિલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી કિસાન બિલના કારણે ઉહાપોહ ચાલે છે. કોંગ્રેસે ખેડૂતોનું હિત ક્યારેય વિચાર્યું નથી. ખેડૂતોને નુકસાન થાય તેવો કોઈ પણ નિર્ણય નરેન્દ્ર મોદીની સરકારમાં ક્યારેય લેવાયો નથી અને લેવાશે પણ નહીં.


Apmcના કેટલાક વેપારીઓ સંગઠિત થઈ જાય તો ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નહીં. વેપારીઓએ ત્રણ દિવસમાં ખેડૂતોને ચુકવણી કરવી પડે એવી નવા બિલમાં જોગવાઈ છે. ખેડૂતોની સૌથી મોટી હિતની વાત છે. ખેડૂતો પોતાની ખેત પેદાશ ગમે ત્યાં વેચી શકશે. કોંગ્રેસની સરકારમાં વચેટિયાઓ મોટી રકમ લઇ જતાં હતા.

ખેડૂતોને પૂરી ચુકવણી થતી ન હતી. મોદી સરકારે ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા થાય તેવી વ્યવસ્થા કરી. 15 લાખ કરોડ રૂપિયા સુધીનું ઋણ ખેડૂતોને મળતું થયું. સ્વામી નાથન સમિતિની ભલામણો ઉપર કોંગ્રેસ સરકારે કોઈ કામ કર્યું ન હતું. મોદી સરકારે મીનીમમ સપોર્ટ પ્રાઇઝ વધારી. જેથી ખેડૂતોનું આર્થિક ઉપાર્જન વધ્યું.

તેમણે જણાવ્યું હતું કે, મીનીમમ સપોર્ટ પ્રાઇઝની ખેડૂતોની ખેત પેદાશની ખરીદી ચાલુ જ રહેવાની છે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂત ભાઈઓને વિનંતી કરતાં તેમણે ઉમેર્યું હતું કે, રાજકીય દુષ્પ્રચાર ઉપર ધ્યાન ન આપો, મુદ્દા ને સમજો. ખેડૂતોના હિતને ધ્યાને રાખવામાં આવ્યું છે. ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરે છે. ખેડૂતોને જ્યાં વધુ ભાવ મળતો હશે ત્યાં વેચી શકાશે. ખેડૂત આટલા વર્ષો પછી પણ ગુલામીમાં હતા. પોતાનો માલ વેચવાની ખરા અર્થમાં સ્વતંત્રતા મળશે. ખેડૂતોને આ બિલ પછી ઘણા ફાયદા થશે.