ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્ધારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી જેમાં બોર્ડ પરીક્ષાઓનું ટાઈમટેબલ નક્કી કરવામા આવ્યુ છે.સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે. ધોરણ 10ના પેપરનો સમય સવારે 10થી બપોરના દોઢ વાગ્યા સુધીનો રહેશે જ્યારે  ધોરણ 12નું પેપર બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ સાંજે સાડા છ વાગ્યે પૂર્ણ થશે. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 19 માર્ચે પૂર્ણ થશે.

ઉલ્લેખનીય છે કે  ધોરણ 10માં અંદાજીત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં અંદાજીત 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સર્વરમાં સતત ભંગાણ સર્જાઈ રહ્યું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.

બીજી તરફ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચે યોજવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.