ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો ખાલી પડેલી છે. નિયમ મુજબ આગામી ત્રણેક મહિનામાં ગુજરાતમાં આ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી કરવી જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કમ સે કમ આંઠ બેઠકોની તો આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજવી જ પડે તેમ છે. ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે પણ અત્યારે કોરોનાના ખતરાને કારણે પ્રચાર કરવો યોગ્ય છે કે કેમ એ સવાલ છે. આ કારણે કેન્દ્રી ચૂંટણી પંચ પાસે મામલો ગયો છે અને આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ જ લેશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ગત 15 અને 16 માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, , ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
કોઈ પણ બેઠક ખાલી પડે એટલે નિયમ મુજબ છ મહિનામાં પેટા ચૂંટણી યોજવી પડે ત્યારે હવે સવાલ એ છે કે હજુ કોરોના સંક્રમણનો કહેર ઓછો થવાનું નામ નથી લેતો તો આવા સમયમાં ચૂંટણી યોજાઈ શકે ખરી ? ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના આયોજનને લઇ શું થઇ શકે ? જો સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજવી હોય તો જુલાઈના અંત અથવા ઓગષ્ટની શરૂઆતમાં જ તેની જાહેરાત થઇ જાય એ જોતાં ગુજરાતમાં ચૂંટણીનાં પડઘણ વાગવા માંડ્યાં છે.