ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં વિધાનસભાની આઠ  બેઠકો માટે 135 ઉમેદવારી પત્ર ભરાય છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 19 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખે  ચિત્ર સ્પષ્ટ થશે કેટલા ઉમેદવારો ખરેખર મેદાનમાં છે.


સૌથી વધુ અબડાસામાં  32 ઉમેદવારી પત્ર ભરાયા છે.   ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી,  બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષના પણ 23 ઉમેદવારી પત્રો  ભરાયા છે. આ પછી લીંબડીમાં કુલ 20 ઉમેદવારી  ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે.



ધારી બેઠક માટે 19 ઉમેદવારી ફોર્મ આવ્યા છે, જેમાં અપક્ષના સાત ફોર્મનો પણ સમાવેશ થાય છે. કરજણમાં 18 ફોર્મ ભરાયા છે . અહીં ભાજપ કોંગ્રેસની સાથે બીટીપી તરફથી પણ ઉમેદવારી થઇ છે. તેવી જ રીતે ડાંગમાં પણ બીટીપી એ ઉમેદવાર ઉભા રાખ્યા છે. અહીં 20 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા,  જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષોના પણ સાત ફોર્મ આવ્યા છે.



મોરબી બેઠક ઉપર 27 ફોર્મ ભરાયા છે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ 10 ઉમેદવારી પત્રો ભરાયા છે.  ગઢડા પેટા ચૂંટણી માટે પણ 16 ફોર્મ ભરાયા છે.  આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે . ભાજપ કોંગ્રેસ સહીતના ઘણા ઉમેદવારોના ડમી ઉમેદવારો પણ ફોર્મ ભરતા  હોય છે.  ચકાસણીના અંતે આજે સાંજે સ્થિતિ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારી પત્રો માન્ય રહે છે.  જો કે સાચું ચિત્ર 19 ઓક્ટોબરે સામે આવશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર છે.