ગાંધીનગરઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ હાર માની લીધી હતી. અબડાસા બેઠક પર એવી વાત ચાલી રહી છે કે, કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને કારણે ગુમાવવી પડી છે. જોકે, બંને મુસ્લિમ ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવાર સહિત ત્રણેયના કુલ મત કરતાં પણ ભાજપના ઉમેદવારે વધુ મત મેળવ્યા છે. ત્યારે આ વાત ખોટી સાબિત થાય છે.

નોંધનીય છે કે, અબડાસા બેઠક પર મુસ્લિમ દાવેદારો દ્વારા કોંગ્રેસ પાસે ટિકીટ માંગણી કરવામાં આવી હતી. જોકે, ટિકીટ ન આપતાં બે મુસ્લિમોએ ઉમેદવારી નોંધાવી હતી. અબડાસા બેઠક પર હનીફ બાવા અને અકુબ અચારભાઈ મુટવાએ કોંગ્રેસ પાસેથી ટિકીટ માંગી હતી. જોકે, કોંગ્રેસે ડો. શાંતિલાલ સેંઘાણીને ટિકીટ આપી હતી. આથી હનીફ બાવાએ અપક્ષ અને અકુબ મુટવાએ બહુજન મુક્તિ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.



ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,848 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 35,070 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલનો 36,778 મતથી પરાજય થયો હતો. બીજી તરફ કોંગ્રેસે ટિકીટ ન આપતા અપક્ષ ચૂંટણી લડેલા હનીફ બાવાને 26,463 અને અકુબ મુટવાને 4983 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસ અને બંને મુસ્લિમ ઉમેદવારોના મળીને કુલ 66,516 મત થાય છે. જે કોંગ્રેસને મળ્યા હોત તો પણ ભાજપના ઉમેદવાર 5,335 મતની લીડથી જીતી ગયા હતા.



હનીફ બાવાએ કોંગ્રેસની હાર પછી આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ જ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. કોંગ્રેસે અમારા સમાજને વિશ્વાસમાં લીધા વગર ટીકીટ આપી હતી. કોંગ્રેસના નેતાઓને હવે સમજાયું હશે કે કિંગમેકર કોણ છે. મારા કારણે જ કોંગ્રેસ હારી છે. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારતા કહ્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.