ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા પડતા આ બેઠકો ખાલી પડી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કોને કોને ટિકિટ આપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારોની પેનલ પણ તૈયાર થઈ ગઈ છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના તમામ 8 ઉમેદવારનો નામ આજે અથવા કાલે નક્કી થાય તેવી પૂરી શક્યતાઓ છે.


મળતી વિગતો પ્રમાણે આગામી 24થી 48 કલાકમાં ભાજપના તમામ ઉમેદવારોના નામ નક્કી થઈ જશે. પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલી યાદીને લઈ સી.આર. પાટીલ દિલ્લી પહોંચ્યા છે. હવે આજે અથવા આવતી કાલે ભાજપના તમામ આઠ બેઠકોના ઉમેદાવારોના નામ પર કેન્દ્રીય નેતૃત્વ મહોર લગાવશે. આ પછી ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.



નોંધનીય છે કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવાની મહોર લગાવી દીધી છે. જેથી પાંચ બેઠકો પર ઉમેદવારો રિપીટ કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ધારી બેઠક પરથી જે.વી. કાકડિયા અને અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું નામ નક્કી થઈ ગયું હોવાનું અને 15મી ઓક્ટોબરે ફોર્મ ભરવાના હોવાનો દાવો પણ કરી દીધો છે. આ ઉપરાંત કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીએ 12મી ઓક્ટોબર ને સોમવારે ઉમેદવારી નોંધાવવાનો દાવો કર્યો છે.



જોકે, ભાજપ કઈ બેઠક પર કોને ટિકિટ આપશે, તે તો સત્તાવાર રીતે ઉમેદવારોનું નામ જાહેર થયા પછી જ ખબર પડશે. આગામી ત્રણ નવેમ્બરે સુરેન્દ્રનગરની લીંબડી, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબી, ભરુચની કરજણ, વલસાડની કપરાડા, કચ્છની અબડાસા અને ડાંગ બેઠક પર ચૂંટણી યોજાવાની છે.