તેમણે જણાવ્યું હતું કે, લોકો ક્યારે નવરાત્રિ આવે અને ક્યારે ગરબે ઘૂમે તેની રાહ જોતા હોય છે. જોકે, આ વખતની નવરાત્રિમાં પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપીને નવરાત્રિના આયોજનોને તેમજ ગરબાની મંજૂરી આપી નથી.
તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી આપણે સૌએ કોરોનાને અંકુશમાં રાખવા કરેલી સહિયારી મહેનત રોળાય ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને એ આપણી પ્રાથમિકતા છે. તહેવારનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. પણ જીવના જોખમે તહેવારો ઉજવવા એ આપણી સમજદારી નથી. હું જાણું છું કે, તમે બધા આ વાતમાં મારી સાથે સહમત હશો. તમે પરિસ્થિતિની ગંભીરતા સમજતા હશો જ. આ માટે સરકારે સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. માટે હું તમને અપીલ કરું છું કે, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબૂથી સેનેટાઇઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટન્સ આપણે જાળવીએ. તહેવારોના સમયમાં આપણે થોડી વધારે કાળજી રાખીએ.