ગાંધીનગરઃ સુરતના વરાછામાં તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા બાદ રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર, સીએમ સહિત બધા આ ઘટનાથી વ્યથિત છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે, બાકી બે  વ્યક્તિને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ ખુદ આ અંગે બધાને માહિતગાર કરશે. તમામ નગર પાલિકામાં 713 ટીમો કાર્યરત છે અને સઘન ચેકિંગ કરી રહી છે. 9962 મિલ્કતોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી અમુક મિલકતોને સીલ કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસમાં ગુજરાતની 9395 બિલ્ડિંગોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ત્રણ દિવસમાં બિલ્ડિંગમાં રહેલી ખામીઓ દૂર નહીં થાય તો મિલકતો કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.


સુરતમાં 80 ટીમ દ્વારા 1524 ક્લાસમાં તપાસ કરવામાં આવી છે. બેઝમેન્ટમાં ચાલતા 3 કોચિંગ ક્લાસને બંધ કરવામાં આવ્યા છે. ટેરેસ પર લગાવવામાં આવેલા ડોમ પણ દૂર કરાયા છે. ઉપરાંત 20 મિલકતને સીલ કરી દેવામાં આવી છે.


રાજ્ય સરકારે આ ઘટનામાંથી બોધપાઠ લીધો છે. સુરતમાં બનેલી ઘટનાથી અમે દિલગીર અને વ્યથિત છીએ. જે કોઇ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે. જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડી ગણી ચૂક રહી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

સુરતઃ આગની ઘટનાના વિરોધમાં ઉતર્યા લોકો, હાર્દિકે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી