ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાફલાની ગાડી બદલવામાં આવી છે. મુખ્યમંત્રીના કાફલામાં હવે સ્કોર્પિયોના સ્થાને ફોર્ચ્યુનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ એક ગાડી બદલવામાં આવી છે. આવનારા દિવસોમાં તમામ ગાડીઓ બદલવામાં આવશે. અંદાજિત 80 લાખના ખર્ચે 8 જેટલી ગાડીઓ વસાવવામાં આવી છે. ઘણા સમય પછી મુખ્યમંત્રીના કાફલાની ગાડીઓ બદલવામાં આવશે.
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન
ગાંધીનગર: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે, મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તો બીજી તરફ ઓપી કોહલીના નિધન પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
ભાજપના ધારાસભ્ય ધરણા પર બેસતા બરોડા ડેરીનો વિવાદ ઉગ્ર બન્યો
વડોદરા: બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ પ્રતીક ધરણા ઉપર બેઠા છે. તેમની સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ ધરણામાં જોડાયા હતા. દૂધ ઉત્પાદકો બેનર, પોસ્ટર અને સૂત્રોચાર સાથે પ્રતિક ધરણામાં જોડાયા હતા. કેતન ઇનામદારે હુંકાર કર્યો કે પશુપાલકો માટે આરપારની લડાઈ થશે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી સતત ધારણાં ચાલુ રહેશે.
ડેરીના કાર્યકારી ચેરમેન ફક્ત દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા સુધીનો ભાવ વધારો આપવાની વાત કરી રહ્યા છે. વાસ્તવિક સ્થિતિમાં હજુ પણ 700 રૂપિયા ભાવ પ્રતિ કિલો ફેટે મળી રહ્યા છે. જો કે કાર્યકારી પ્રમુખ જી.બી સોલંકીએ કહ્યું હતું કે દૂધ ઉત્પાદક મંડળીઓ પાસેથી લેખિતમાં તેમના જવાબ મંગાવવામાં આવ્યા છે. જો તેમનો હકારાત્મક જવાબ હશે તો દૂધના પ્રતિ કિલો ફેટનો ભાવ 750 થી વધી 800 થશે. હાલ બરોડા ડેરી બહાર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. ડેરીના મુખ્ય ગેટ બંધ કરી દેવાયા છે. પ્રતીક ધરણાનો કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.