ગાંધીનગર: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી એટલે કે ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું છે. ઓપી કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. તેમણે લખ્યું કે,  મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


 






તો બીજી તરફ ઓપી કોહલીના નિધન પર સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.  ૐ શાંતિ.


 






ભાજપના ધારાસભ્ય ધરણા પર બેસતા બરોડા ડેરીનો વિવાદ ઉગ્ર બન્યો


વડોદરા: બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ પ્રતીક ધરણા ઉપર બેઠા છે. તેમની સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ ધરણામાં જોડાયા હતા.  દૂધ ઉત્પાદકો બેનર, પોસ્ટર અને સૂત્રોચાર સાથે પ્રતિક ધરણામાં જોડાયા હતા.  કેતન ઇનામદારે હુંકાર કર્યો કે પશુપાલકો માટે આરપારની લડાઈ થશે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી સતત ધારણાં ચાલુ રહેશે.  


ડેરીના કાર્યકારી ચેરમેન ફક્ત દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા સુધીનો ભાવ વધારો આપવાની વાત કરી રહ્યા છે. વાસ્તવિક સ્થિતિમાં હજુ પણ 700 રૂપિયા ભાવ પ્રતિ કિલો ફેટે મળી રહ્યા છે. જો કે કાર્યકારી પ્રમુખ જી.બી સોલંકીએ કહ્યું હતું કે દૂધ ઉત્પાદક મંડળીઓ પાસેથી લેખિતમાં તેમના જવાબ મંગાવવામાં આવ્યા છે. જો તેમનો હકારાત્મક જવાબ હશે તો દૂધના પ્રતિ કિલો ફેટનો ભાવ 750 થી વધી 800 થશે. હાલ બરોડા ડેરી બહાર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. ડેરીના મુખ્ય ગેટ બંધ કરી દેવાયા છે. પ્રતીક ધરણાનો કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.


વિદેશ કમાવા ગયેલો ગુજરાતનો યુવાન બન્યો માનવ તસ્કરીનો શિકાર બન્યો


ગીર સોમનાથ: ભારતીયોમાં વિદેશમાં જવાનો અને ડોલરમાં કમાણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો તેમાં સફળ થયા છે અને સારી કમાણી કરી રહ્યા છે. જો કે, બધાના નશીબમાં સફળતા લખી નથી હોતી. વિદેશમાં સારી કમાણીના લ્હાયમાં ઘણા લોકો માનવ તસ્કરીનો પણ શિકાર બન્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો ગીર સોમનાથમાં. જ્યાં તાલાલા તાલુકાના પીપલવા ગામનો યુવાન પ્રથમ દુબઇ અને ત્યાંથી મ્યાનમાર નોકરી કરવા ગયો અને માનવ તસ્કરીનો શિકાર બન્યો.


તેમને થાઈલેન્ડનું કહી મ્યાનમાર પહોંચાડી દેવાયો હતો. જેની જાણ ગીર એસપી અને તાલાલાના ધારસભ્ય ભગવાન બારડને થતા તેઓ એક્શનમાં આવી ગયા હતા. પોલિસ અને પોલિટિક્સ બન્નેએ સાથે મળી આ યુવાનને સાત સમંદર પારથી પરત લાવ્યા હતા. ધારાસભ્ય ભગવાન બારડે યુવાનને વિદેશથી તાલાલા લાવવા લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. આજે યુવાન પોતાના ગામ માદરે વતન તાલાલાના પીપળવા પહોંચ્યો જ્યાં પોતાના પરિવરાજનને ભેટી પડયો હતો.