કોરોના વાયરસને કારણે ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે બહારના રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં નોકરી કરતાં શ્રમીકો પોતાના પરિવાર સાથે ચાલતો પોતાના વતને જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના અનેક લોકો તેમની મદદે આવ્યા છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પણ કહ્યું હતું કે, જે લોકો જ્યાં છે ત્યાં જ રહે છે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાની જરૂર નથી. જોકે આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ શ્રમિકોની મદદે આવ્યા છે. ચાલતાં રાજસ્થાન જઈ રહેલા લોકો માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ લોકોને પોતાના વતને પહોંચડવાની તૈયાર કરવામાં આવી છે.



વિજય રૂપાણીએ રાજસ્થાન જતાં શ્રમિકો માટે ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા અને જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. કોરોના વાયરસની પરિસ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના નાના-મોટા-ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લાઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં ઉદ્યોગોમાં કામ કરતા આવા શ્રમજીવીઓને કારીગરોને અપીલ કરવામાં આવી છે.



હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે. લોકડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યા કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે.