ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન આઉટસોર્સિગ સહિત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી હતી કે, મને આ ગેલેરીમાંથી કૂદવાનુ મન થાય છે. આ સાંભળી એક તબક્કે વિધાનસભા ગૃહમાં સન્નાટો છવાયો હતો. તમણે ક્હ્યું કે, પ્રજાના કામો માટે અધિકારી ફોન પણ ઉપાડતાં નથી.
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે ઉગ્રતાથી પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે આક્રોશ વ્યકત કરતાં કહ્યું કે, જિલ્લાના અધિકારીઓ ધારાસભ્યના ફોન પણ ઉપાડતાં નથી. પ્રજાલક્ષી કામો હોય તો ય અધિકારીઓ આવુ વર્તન કરી રહ્યાં છે ત્યારે મને તો ગેલેરીમાંથી કૂદવાનુ મન થાય છે. આટલુ કહેતાં જ ગૃહમાં જાણે સન્નાટો છવાયો હતો.
ધારાસભ્ય જશુભાઇ પટેલના ઉગ્ર વર્તન જોઇ અધ્યક્ષે તેમને શાંત રહેવા જણાવ્યુ હતું.આખરે મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છેકે, અધિકારીઓના આવા વર્તનને લઇને ભાજપના ધારાસભ્યો પણ ફરિયાદો કરી ચૂક્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ,કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યોએ અધિકારીઓની વર્ણતૂકને લઇને ભાજપ સરકાર સામે મોરચો માંડયો હતો.