ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એક વાર કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાને આવેદન આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
જો કે કલેક્ટરના વર્તનથી નારાજ જગદીશ ઠાકોરે કલેક્ટરને ખખડાવ્યા હતા. આવેદનપત્ર આપવા ગયેલા કોંગ્રેસના નેતાઓને કલેક્ટરે ‘દે દો, દે દો જલદી દે દો ’ એમ કહેતાં જગદીશ ઠાકોરે સવાલ કર્યો હતો કે, ‘બહોત જલદી હૈ આપ કો ? ’
કલેક્ટરે સામે હા કહેતાં જગદીશ ઠાકોર બગડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યો આવ્યા છે, વિપક્ષના નેતાઓ આવ્યા છે ત્યારે ધીરજ રાખતાં શીખો.
કલેક્ટરના આ વર્તનથી નારાજ થયેલા કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઠાકોરે ગાંધીનગર કલેકટર પર આરોપ લગાવ્યો કે અમારી રજુઆતને યોગ્ય રીતે ન સાંભળવામાં આવી. કલેકટર ભાજપ ના કાર્યકર્તા હોય એમ વર્તે છે. ગાંધીનગર જિલ્લા કલેકટરની જગ્યાએ ભાજપ કાર્યાલયનું બોર્ડ લગાવવું જોઈએ. જરૂર પડશે તો ભાજપનું બોર્ડ લગાવવાનો પણ કાર્યકમ કરવો પડશે.
કોરોનાની બીજી લહેર વેળા પ્રદેશ કોંગ્રેસની જે માંગ હતી તે જ માંગને ફરીથી ઉઠાવીને કોરોનાથી મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની માગણી સાથે કોંગ્રેસે આ યાત્રા રાજ્યના તમામ જિલ્લા મથકો પર કલેક્ટરને આવેદન આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત જગદિશ ઠાકોરે ગંધીનગરમાં કલેક્ટરને આવેદન આપ્યું હતું.
કોવિડ કાળમાં રાજ્યમાં જેટલા મૃતક છે તેઓના પરિજનોને સહાય પેટે રૂપિયા 50 હજારના બદલે રૂપિયા 4 લાખની સહાય આપવાની માંગ કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે કરી હતી. આ માટે અગાઉ રાજ્યભરમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા શરુ કરીને મૃતકના પરિજનોનો સંપર્ક કર્યો હતો અને તેઓને હૈયા ધારણ આપી હતી. સોમવારે ન્યાય યાત્રાના બીજા તબક્કાને આગળ ધપાવતાં રેલી કાઢી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યાં હતાં.રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના મૃત્યુ સહાયને લઈને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને ચાર લાખ ચુકવવાની માંગ કરી હતી. કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી માંગણી રજૂ કરી હતી.