ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને covidને લઈને આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ હાજર રહેશે. કોરોનાની સંભવીત ત્રીજી લહેર અને વેક્સિનેશનના ચાલી રહેલા કાર્યક્રમને લઇને ચર્ચા વિચારણા થશે.

ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે એક જ દિવસમાં આ રસીકરણ અભિયાન અન્વયે રાજ્યભરમાં ર૩,૬૮,૦૦૬ લોકોને કોરોના વેક્સિનેશન સુરક્ષા કવચથી આવરી લેવાની ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા માટે સૌ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સને અભિનંદન પાઠવ્યા છે. 

સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિનેશન અભિયાન વેગવાન બન્યું છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં ૩ કરોડ ૯૬ લાખ ૬૬,૭૧૯ પ્રથમ ડોઝ તેમજ ૧ કરોડ ૬૩ લાખ ૬૮ હજાર પ૯ર બીજો ડોઝ મળી કુલ પ.પ૯ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 


ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. 


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 154 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.