ગાંધીનગરઃ રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ 150 લોકોને, જ્યારે રાજકીય તથા ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાતા વિવાદ છેડાયો છે. બે દિવસ પહેલાં કોર કમિટીની બેઠકમાં લગ્નપ્રસંગમાં 400 લોકોને મંજૂરી અપાઈ હતી, એ નવી ગાઈડલાઈન્સમાં 150 કરી દેવાઈ છે. 




ગુજરાત સરકારના જાહેરનામા પ્રમાણે, રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. 


તો અંતિમક્રિયા કે દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે. જ્યારે તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાના ક્ષમતાના 50 ટકા(મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.



8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા સાથે ગણેશોત્સવ યોજી શકાશે. આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.


ગુજરાત સરકારે આજે રાત્રિ કર્ફ્યૂને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આવતી કાલથી આ જાહેરનામું અમલમાં આવશે. આઠ મહાનગરના લોકોને રાત્રિ કર્ફ્યૂ વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. જોકે, સરકારે વેપારીઓની ફરજિયાત રસીની તારીખ લંબાવવાની માંગ નકારી દીધી છે.


ગુજરાત સરકારે નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ધંધા-રોજગાર કે દુકાનો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના 14 દિવસથી કે હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. 


નોંધનીય છે કે, અગાઉ સરકારે ધંધા-રોજગાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને કર્મચારીઓ માટે 31મી જુલાઇ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ ફરજિયાત લેવાનો આદેશ આપ્યો હતો. આ માટે ગત રવિવારે સ્પેશિયલ વેક્સિનેશનનું પણ આયોજન કરાયું હતું. ત્યારે હવે 31મી જુલાઇ પછી ધંધા-રોજગાર ચાલું રાખવા માટે ફરજિયાત વેક્સિનનનો પહેલો ડોઝ લેવો જરૂરી છે. કોરોનાની રસીનો પહેલો ડોઝ નહીં લીધો હોય તેવા સંજોગોમાં સરકાર કાર્યવાહી કરી શકે છે.