ગાંધીનગરઃ ગુજરાત(Gujarat)માં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે હવે મુખ્યમંત્રી (Gujarat CM) અને નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની ઓફિસોમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત થયા છે. 


આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. નિતિન પટેલના કાર્યાલયમાં ત્રણ કેસ નોંધાયા છે. બે કમાંડો અને એક પ્યુન કોરોના સંક્રમિત થયા છે. અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે.


આ સિવાય રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ઓફિસમાં પણ અગાઉ અધિકારી-કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ હોમ કવોરંટાઇન થયા છે. તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા  હોમ કવોરંટાઇન થયા છે. આર સી ફળદુના ગાર્ડ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.


ઉપરાંત ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રીનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે. મંત્રી પછી કાર્યાલયના કર્મચારીઓને કોરોના થયો છે. મહેસૂલ મંત્રીના પીએસ ઉપરાંત છ કર્મચારી, ગૃહમંત્રીના ચાર કર્મચારી-બે કમાન્ડોને કોરોના થયો છે. ગૃમંત્રી પ્રદિપસિંહ જાડેજાાના કાર્યાલયમાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યુ છે. પ્રદીપસિંહ જાડેજા સહિત 7 લોકો કોરોના સંક્રમિત થયા છે. મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત કાર્યાલયમાં કામ કરતા 4 કર્મચારીઓ અને સુરક્ષામાં તૈનાત 2 કમાંડો સહિત કુલ 7 લોકો કોરોના સંક્રમિત થયા છે. 


ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 3થી 4 દિવસના લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદથી જ રાજ્યમાં લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે મોડી રાત્રે તમામ અટકળોનો અંત આવ્યો હતો.


 


રાજ્યની રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણયમાં લોકડાઉન સામેલ નથી. એટલે કે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો.


 


અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.


 


લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.  અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.


 


રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.


 


રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 17348 થઈ છે. 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24  ટકા છે.