ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યા પછી હવે સંક્રમણ ઘટી રહ્યું છે અને સ્થિતિ કાબૂમાં આવી રહી છે, ત્યારે રાજ્યના લોકોને મોટી રાહત મળે તેવો રૂપાણી સરકાર નિર્ણય લેવા જઈ રહી છે. ગુજરાત સરકારે માસ્કનો દંડ ઘટાડવા કવાયત હાથ ધરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. 


ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના151 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10034 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 619 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.09  ટકા છે.


ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 619 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.09 ટકા છે. 


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5639 દર્દી એક્ટિવ છે. જે પૈકી 113 દર્દી વેન્ટિલેટર પર છે. 5526 લોકો સ્ટેબલ છે. 8,06,812 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં અને સુરત કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં  છે. કુલ 10034 લોકોનાં મોત નિપજ્યાં છે. 


આજના નવા કેસની ચર્ચા કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 36 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 16 કેસ નોંધાયા છે જ્યારે જૂનાગઢ જિલ્લો, સુરત જિલ્લો, વડોદરા જિલ્લામાં 10-10 કેસ નોધાયા છે. રાજકોટ શહેરમાં 9 અને વડોદરા શહેરમાં 7 કેસ નોંધાયા છે જ્યારે વલસાડમાં 6 કેસ નોંધાયા હતા.  ભરુચ, ગીર સોમનાથ અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા છે.


રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકા છે. અત્યાર સુધીમાં 2,25,56,262 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. આજે રાજ્યમાં ઐતિહાસિક 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ જ આંકડો દેશભરમાં પણ રેકોર્ડબ્રેક છે. દેશમાં આજે 80 લાખ પ્લસ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,25,56,262 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે.