ગાંધીનગર: રાજ્ય સરકારે વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ‘ગુજરાત દર્શન યોજના’ હેઠળ રાજ્યની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે રૂપિયા 10 હજાર સુધીનો ખર્ચ પૂરો પાડવાની જાહેરાત કરી છે.


ગુજરાત દર્શન યોજના પ્રમાણે એક ગૃપમાં 25 એમ પ્રતિ વર્ષ મહત્તમ 150 વરિષ્ઠ નાગરિકોને આ લાભ અપાશે. રોકાણનો સમયગાળો 6 રાત્રિ અને 7 દિવસ રહેશે. આ યોજનામાં 60 થી 70 વર્ષથી વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો જોડાઇ શકશે. વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓની તમામ સુવિધા રાજ્ય સરકાર પૂરી પાડશે. અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે-તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે.



બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ યોજના માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 15 લાખની જોગવાઇ કરી છે.

દેશના અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અસ્મિતા, પરંપરા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ સાથે પોતાનો નાતો જોડાઇ રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરણાથી ''ગુજરાત દર્શન યોજના'' અમલી બનાવી છે.