ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત અને દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં પેટ્રોલ અને ડિજલના ભાવોમાં ઘટાડા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પત્રકારો સાથે ગુજરાત સરકાર વેટ ઘટાડશે કે નહીં, તે મુદ્દે જવાબ આપ્યો હતો.


નીતિન પટેલે જણાવ્યું હતું કે, આખા દેશની અંદર પેટ્રોલ અને ડિજલના જે વેટ છે, તે ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય રાજ્યો અને શહેરો કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડિજલ સસ્તું છે. વેટ ઓછો હોવાથી પ્રજાને એ બોજો પડવા દીધો નથી. ભારતમાં કુદરતી ઓઇલ મળવાનું પ્રમાણ ઓછું છે. ગઈ કાલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85 ટકા કરતા વધુ ક્રૂડ ઓઇલ આપણે વિદેશતી આયાત કરવું પડે છે. આવા સંજોગોમાં જે પહેલા બેરલની કિંમત 51-52 ડોલર હતી , જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ વધુ થઈ છે. એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘડી ગઈ છે. પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. ખૂબ મોટો જે ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માન્ય વડાપ્રધાનશ્રીએ આ બજેટમાં નિર્મલા સિતારમણજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે સેસ નાંખી છે, એમાં પેટ્રોલ-ડિજલ પર આવે છે. પણ સામે ભારત સરકારે પેટ્રોલ-ડિજલ પરની એક્સાઇઝમાં ઘટાડો કરી દીધો છે. એટલે પ્રજા ઉપર સીધો એક્સાઇઝનો બોજો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકું છું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરલલ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે ક્રૂડ ઓઇલનો ભાવ દુનિયામાં ઝડપથી ઘટે.

આમ, તેમણે સરકાર પેટ્રોલ-ડિજલ પરનો વેટ ઘટાડવાની નથી, તેવા સંકેતો આપ્યા છે. જેને કારણે ગુજરાતીઓને પેટ્રોલ-ડિજલના ભાવમાં રાહત હમણા મળે તેવા સંકેતો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યા છે.