ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈને રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલો પરિપત્ર રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. તેના 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરવી પડી છે.
ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. આ આદેશ સામે શિક્ષકોમાં વિરોધ ફાટી નિકળ્યો હતો. શિક્ષકોએ આ પરિપત્ર રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી પણ મંગળવારે જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જો કે માત્ર 24 કલાકમાં જ શિક્ષણ મંત્રીએ પીછેહઠ કરીને આ નિર્ણય રદ કરવો પડ્યો છે.
શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું કે, રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. સ્વામિનારાયણ ગુરુકુળ ઝુંડાલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ પ્રતિભાવાન વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. મીડિયા સમક્ષ નિવેદન આપતા ચુડાસમાએ કહ્યું હતું કે, શિક્ષકોના કામના 8 કલાક ઘટાડવાની માગણી કરાય છે પણ રાજ્ય સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ સરકારના કર્મચારીઓ જ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ. શિક્ષકો પણ સરકારનો જ એક ભાગ છે તેથી તેમના માટે નિયમો અલગ ના હોઈ શકે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, રાજ્ય સરકારનો ભાગ હોવાના કારણે શિક્ષકોએ પણ ૮ કલાકની ફરજ બજાવવી પડશે.