GANDHINAGAR : ગુજરાતમાં જૂની  પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હવે સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં હજારો કર્મચારીઓ જૂની  પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે ધરણા કરી રહ્યાં છે. આ દરમિયાન સરકાર તરફથી એક મોટા સમાચાર સેમ આવ્યાં છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ  જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અંગે નિવેદન આપ્યું છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ કહ્યું કે રાજ્યમાં જૂની  પેન્શન યોજના ફરી લાગુ કરવાની વાત કરવામાં નહિ આવે. નાણાપ્રધાનના આ નિવેદનથી સરકારનો વિચાર સ્પષ્ટ છે કે સરકાર જૂની  પેન્શન યોજના લાગુ કરવાની દિશામાં સકારાત્મક અભિગમ નથી ધરાવી રહી. 


ચૂંટણી પહેલા ગુજરાતમાં ગુંજ્યો જૂની પેન્શન યોજનાનો મુદ્દો
રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓએ સોમવારે જૂની પેન્શન સિસ્ટમ ફરીથી દાખલ કરવી, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી અને સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવો સહિતની અનેક માંગણીઓને લઈને એક દિવસીય ધરણાં કર્યા હતા. ગુજરાત સ્ટેટ યુનાઇટેડ એમ્પ્લોઇઝ ફ્રન્ટ (GSUEF)ના બેનર હેઠળ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે લગભગ તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ વિરોધમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે એ પહેલા  જૂની પેન્શન યોજનાનો મુદ્દો ગુંજ્યો છે. 


2005માં બંધ કરવામાં આવી જૂની  પેન્શન યોજના 
2005માં બંધ કરાયેલી જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની માગણી ઉપરાંત કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ફિક્સ પગાર પ્રણાલી દ્વારા નિમણૂકોને સમાપ્ત કરવાની માગણી કરી હતી. સરકારી કર્મચારીઓના સંઘે પાછળથી મુખ્યમંત્રીને સંબોધિત એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં જણાવ્યું હતું કે તેઓ સરકારી કર્મચારીઓના કલ્યાણ માટે જવાબદાર છે અને તેમની સરકારે સાતમા પગાર પંચની તમામ ભલામણો સ્વીકારવી જોઈએ.


નવી અને જૂની પેન્શન યોજના શું છે?
નવી પેન્શન યોજના હેઠળ, સરકારી કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા રકમ કાપવામાં આવે છે અને સરકાર તેનો 14 ટકા હિસ્સો તેમાં ભળે છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી ન હતી. જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત કર્મચારીઓને સરકારી ફંડમાંથી પેન્શન ચૂકવવામાં આવતું હતું. તે જ સમયે, નવી પેન્શન યોજના શેરબજાર આધારિત છે અને તેની ચૂકવણી બજાર પર આધારિત છે.