ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હાલ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યની તમામ કોલેજોમાં યુજીસીની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ યોજવામાં આવશે તેવું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં યુનિવર્સિટીઓની કામગીરીની સમીક્ષા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

ત્યારે ચુડાસમાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે જ. યુજીસી દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિની સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષાઓના સંચાલન અંગે પણ કુલપતિઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા.