ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા પાછળ ખુલાસો કરવામાં આવ્યો છે કે, શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારે આ ભરતી પદ્ધતિમાં  મોટા ફેરફાર કર્યાં છે. હવે શૈક્ષણિક ધોરણ 12 પાસ ઉમેદવારો નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.


બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની ભરતી કુલ 3738 જગ્યાઓ માટે 20 ઓક્ટોબરે પરીક્ષા યોજાવાની હતી. જેમાં કુલ 10 લાખ 45 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના હતા. શૈક્ષણિક લાયકાતમાં સુધારા બાદ મૂળ જાહેરાત પ્રમાણે ધોરણ બાર પાસની લાયકાત ધરાવતાં ઘણાં અરજકર્તાઓની અરજી રદ્દ થવાં પાત્ર પણ ઠરે તેમ છે.

આ અગાઉ પણ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી.  ત્યારે આ પરીક્ષા પણ પરીક્ષાના એક સપ્તાહ પહેલાજ રદ કરવામાં આવી છે.  આમ વારંવાર પરીક્ષા રદ થવાથી પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.