ગાંધીનગર: રાજ્યના શહેરી અને ગ્રામીણ નાગરિકોને અનુદાનિત સાર્વજનિક ગ્રંથાલયોના માધ્યમથી વાંચન સુવિધા સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવવા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કાર્યરત ૩ર૪૯ જેટલા અનુદાનિત ગ્રંથાલયોને લોક ફાળામાંથી મુક્તિ આપી રાજ્ય સરકાર દ્વારા વધુ અનુદાન આપવાનો નિર્ણય લીધો છે. 


રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના માર્ગદર્શન અન્વયે ગ્રંથાલય ખાતા દ્વારા આવા સાર્વજનિક ગ્રંથાલયો કાર્યરત છે.પ્રવર્તમાન સ્થિતીએ આવા ગ્રંથાલયો પૈકીના આદિજાતિ વિસ્તારના અનુદાનિત ગ્રંથાલયોને ૧૦૦ ટકા ,અંધજન ગ્રંથાલયોને ૯૦ ટકા તથા અન્ય ગ્રંથાલયોને ૭પ ટકાના ધોરણે અનુદાન આપવામાં આવે છે અને બાકીનો લોક ફાળો ઉમેરવાનો હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા અનુદાનિત ગ્રંથાલયોને આપવામાં આવતા અનુદાનની રકમમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 


આ ઉપરાંત રાજ્યમાં ૧૮ વિશિષ્ટ ગ્રંથાલયોને હાલ ગ્રંથાલય દીઠ આપવામાં આવતા રૂપિયા પાંચ લાખના અનુદાનમાં રૂપિયા એક લાખનો વધારો કરીને ગ્રંથાલય દીઠ રૂપિયા ૬ લાખ અપાશે. શહેરી ક્ષેત્રોના ૩પ ગ્રંથાલયોને પ્રત્યેકને મળતા દોઢ લાખ રૂપિયાના અનુદાનમાં વધુ એક લાખ રૂપિયા મળી ગ્રંથાલય દીઠ કુલ અઢી લાખ રૂપિયા અનુદાન, ૧૪ અંધજન ગ્રંથાલયોને પ્રત્યેકને હાલ મળતા ૨ લાખમાં વધારાના ૫૦ હજાર રૂપિયા અનુદાન આપવામાં આવશે. 


આ ઉપરાંત શહેરી શાખાના ૭૯ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ ૧.૫૦ લાખ, નગર કક્ષા-૧ ના ૮૪ ગ્રંથાલયોને પ્રત્યેકને ૧ લાખ, નગર કક્ષા-ર ના ર૪૦ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ રૂપિયા ૮૦ હજાર, ૧૧૧ મહિલા ગ્રંથાલયોને પ્રત્યેકને ૬૦ હજાર તેમજ ૧૦૬ બાળ ગ્રંથાલયોને ગ્રંથાલય દીઠ ૬૦ હજાર, રપ૬૦ જેટલા ગ્રામ ગ્રંથાલયોને પ્રત્યેકને ૪૦ હજાર રૂપિયા તથા બે માન્ય ગ્રંથાલયોને દરેકને પચાસ હજાર રૂપિયાનું વધારાનું અનુદાન આપવામાં આવશે. રાજ્ય સરકાર આ હેતુસર અનુદાનિત ગ્રંથાલયોને કુલ મળીને  વાર્ષિક રૂપિયા ૧૭.૮૨ કરોડનું વધારાનું અનુદાન ચૂકવશે. 


આના પરિણામે હવે અનુદાનિત ગ્રંથાલયોમાં સ્પર્ધાત્મક, વ્યવસાયલક્ષી તથા અભ્યાસલક્ષી વધુ સાહિત્ય વસાવી શકાશે. એટલું જ નહિ, આવા સ્પર્ધાત્મક સાહિત્યથી ગ્રામીણ વિસ્તારોના યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં આગળ વધવાની ઉજ્જવળ તક પણ મળી શકશે.  નાગરિકોને શિષ્ટ સાહિત્યનો વ્યાપક પણે  લાભ મળશે અને વાંચે ગુજરાત અભિયાનનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થશે.