રાજ્યમાં ક્યારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે એ અંગે રહસ્ય અકબંધ છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વેકેશન લંબાવવું પડે અને નવું સત્ર મોડું શરૂ થાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થાની તૈયારીઓ આદરી છે.
રાજ્યમાં ધોરણ 1થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જીસીઈઆરટીએ વૈકલ્પિક અધ્યયન સાહિત્ય તૈયાર કર્યું છે. આ સાહિત્ય જિલ્લા કક્ષાએથી છપાવીને તમામ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે જીસીઈઆરટીના સચિવે રાજ્યના તમામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલ્યો છે. આ સાહિત્ય પુસ્તક સ્વરૂપે પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓને મોકલી આપવાની વ્યવસ્થા ગોઠવવા પરિપત્રમાં આદેશ અપાયો છે. વિદ્યાર્થી ઘરે બેઠા પણ અભ્યાસ ચાલુ રાખી શકે તેવી બાબતોનો વૈકલ્પિક અધ્યયન સાહિત્યમાં સમાવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ સુધી પુસ્તક સ્વરૂપે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા માટે તમામ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને કહેવાયું છે.