ગાંધીનગરઃ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતોના ફાયદામાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પરિણામે અનેક ખેડૂતોને ફાયદો થશે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ૨૩ જેટલી સેવાઓ ઓનલાઈન કર્યા બાદ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા બોજાનું પ્રમાણપત્ર અને વેચાણ દસ્તાવેજની ઈન્ડેક્સ-૨ (અનુક્રમણિકા નંબર-૨)ની નકલની સેવાઓ પણ હવેથી ઓનલાઈન કરી દીધી છે.

આ નિર્ણયને કારણે પક્ષકારો અને વકીલોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ નહીં જવું પડે. i-ORA પોર્ટલ પરથી જરૂરી માહિતી આપવાથી વિગતો ઉપલબ્ધ થશે તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ. નોંધનીય છે કે, ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે.
જમીનના શરતફેર, બિનખેતી જેવી વિવિધ પ્રકારની પરવાનગીની અરજીઓ સાથે પણ ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. તેના માટે મૂળ ખેડૂત ખાતેદારોને મામલતદારને જરૂરી વિગત સાથે અરજી કરવી પડે છે.

હવે આ સેવા માટે ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા જ ઈ-મેલ કે SMSથી નિર્ણયની જાણ કર્યા બાદ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર ઉપલબ્ધ થઈ જશે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલા દસ્તાવેજોની અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે છે.

એટલું જ નહીં, મિલકતના ખરીદ-વેચાણના કામે, બેંકમાંથી લોન મેળવવા, મોર્ગેજ દસ્તાવેજ કરાવવા, ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવી વિવિધ કામગીરી માટે બોજા પ્રમાણપત્રની નકલ પણ ઓનલાઈન મળી જશે. તેમજ વેચાણ દસ્તાવેજની ઈન્ડેક્સ-૨ની નકલ પણ કચેરીમાં ગયા વગર ઘરે બેઠા મેળવી શકાશે.