ગાંધીનગરઃ ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ આ વર્ષે નવરાત્રિનું વેકેશન રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉનાળુ વેકેશન પણ નહીં લબાવવામાં આવે, જેના કારણે શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થશે. કેબિનેટ બેઠક બાદ  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આમ જણાવ્યું હતું. જેના કારણે હવે વિદ્યાર્થીઓને શાળામાં 21 દિવસનું દિવાળી વેકેશન મળશે.


થોડા દિવસો પહેલા સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ રાજ્યની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિએ નવરાત્રિ વેકેશન રદ કરવાની ભલામણ કરી હતી. જોકે તે સમયે શિક્ષણ મંત્રીની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ વેકેશન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પહેલા શાળાઓમાં 30-09-2019 થી 07-10-2019 સુધી 8 દિવસનું નવરાત્રિ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે દિવાળી વેકેશન 25-10-2019 થી 06-11-2019 સુધી 13 દિવસનું આપવામાં આવ્યું હતું.

ગત વર્ષે સરકારે નવરાત્રી વેકેશન આપીને દિવાળી વેકેશન ટુંકાવીને 14 દિવસનું આપ્યું હતું. જેનો ઘણા વાલીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સરકારનાં નિર્ણય બાદ પણ અનેક શાળાઓએ નવરાત્રિ દરમિયાન શૈક્ષણિક કાર્ય રાબેતા પ્રમાણે ચલાવ્યું હતું.