નવી દિલ્હીઃ કાળઝાળ ગરમીની વચ્ચે હવે બધા વરસાદની રાહ જોઇ રહ્યાં છે ત્યારે દેશની હવામાન એજન્સી સ્કાયમેટે પોતાની આગાહીથી બધાને ચોંકાવી દીધા છે. સ્કાયમેટ અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસુ કેરાલા પહોંચી શકે છે, એટલુ જ નહીં આ વર્ષનુ ચોમાસુ નબળુ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.




સ્કાયમેટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(એનસીઆર)માં ચોમાસું પહોંચવામાં 10-15 દિવસ મોડું થઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસું જૂન સુધીમાં પહોંચી જાય છે, પણ સ્કાયમેટ અનુસાર આ વર્ષે ચોમાસુ મોડુ અને નબળુ રહી શકે છે. ગુજરાતમાં પણ આગામી 10-15 દિવસમાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે. અગાઉ હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનાર ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી હતી.


એજન્સીના મોસમ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ચોમાસુ નબળુ રહી શકે છે. ચોમાસાનો વરસાદ લગભગ 93 ટકા થશે, જે સરેરાશ વરસાદથી ઓછો છે.