રૂપાણી સરકારે સેક્સ વર્કર્સને શું વિના મૂલ્યે આપવાની કરી જાહેરાત ? જાણો ગુજરાતમાં કેટલા હજાર સેક્સ વર્કર યુવતી છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2020 09:18 AM (IST)
ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નોધાયેલી સેક્સ વર્કર્સને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સસ્તા અનાજની દુકાનોમાંથી 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા વિના મૂલ્યે અપાશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે સેક્સ વર્કર્સને સહાય આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નોધાયેલી સેક્સ વર્કર્સને અન્ન બ્રહ્મ યોજના હેઠળ સસ્તા અનાજની દુકાનોમાંથી 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખા વિના મૂલ્યે અપાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગ કચેરી દ્વારા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલી 4,000 હજાર સેક્સ વર્કરોને ગુરુવારથી જ અનાજ વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં 37 હજાર જેટલી સેક્સ વર્કર્સ છે. અનાજ મેળવવા માટે સેક્સ વર્કર્સ કરતી મહિલાઓએ માત્ર NACO સાથે જોડાયેલી વિવિધ એનજીઓની કૂપન રજૂ કરવાની રહેશે. અનાજ આપતી વખતે દુકાનદારે આ મહિલાઓ પાસે ઓળખ અંગેના પુરાવા માગવાના રહેશે નહીં. અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી દ્વારા જારી થયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અને વડી કચેરીના 17 ઓક્ટોબર, 2020ના અને 7 ડીસેમ્બર, 2020ના પત્ર મુજબ નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) સંસ્થામાં નાંધાયેલ સેક્સ વર્કરને કોઈપણ જાતના પુરાવાનો આગ્રહ રાખ્યા વગર ડ્રાય રાશન વિના મૂલ્યે આપવાનું જાહેર કરાયું છે. સેક્સ વર્કર્સને અનાજ વિતરણ કરતી વખતે વાજબી ભાવના દુકાનદાર કોઈપણ પ્રકારના પુરાવા જેવા કે, વર્કરનું નામ, મોબાઈલ નંબર, સરનામું, અન્ય સરકાર માન્ય ઓળખ પુરાવો કે જેના પરથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવો કોઈપણ પુરાવો માગી શકાશે નહીં. આ બાબતે NACO સાથે જોડાયેલ એનજીઓ દ્વારા સેક્સ વર્કરોને કૂપન-ટોકન ઇશ્યૂ કરવામાં આવશે.