ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૌરાષ્ટ્રના પૂર પીડિત લોકો માટે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી દ્વારા પત્રકાર પરીષદમાં આ અંગે સંકેત આપવામાં આવ્જાયા હતા. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીના મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૃષિમંત્રી, નાણાંમંત્રી અને મહેસુલમંત્રીની બેઠક મળી હતી. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે છેલ્લા બે કલાકથી બેઠક ચાલી હતી. 


જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. મોટાભાગનો નુકસાનનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. વરસાદથી થયેલી નુકસાની અંગે સહાયનો નિર્ણય સરકાર જલદી કરશે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી બે ઓક્ટોબરે દેશના તમામ ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરાશે. 2 ઓક્ટોબરે ગુજરાતના તમામ ગામો પણ ગ્રામ સભાનું આયોજન કરાશે. રાજ્યના તમામ ગામોમાં 11 વાગ્યે ગ્રામ સભાનું આયોજન થશે. જળ જીવન મિશન  અંગે ઓનલાઇન સંવાદ થશે. 


તેમણે જણાવ્યું હતું કે, ખાદી ફોન ફેશન, ખાદી ફોન નેશનના મંત્ર સાથે ખાદી પર 20 ટકા વળતર યોજના લાગુ રહેશે. રાજ્ય સરકારે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપી છે. બ્રિજેશ મેરજાને જામનગર, દ્વારકાના પ્રભારી બનાવાયા છે. જીતુભાઈ ચૌધરીને નવસારી જિલ્લાના પ્રભારી બનાવાયા છે. મુકેશ પટેલ તાપી જિલ્લાના પ્રભારી, નિમિષા સુથારને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી, કુબેર ડિંડોરને સાબરકાંઠા, અરવલિલ્લીના પ્રભારી મંત્રી, ગજેન્દ્રસિંહ પરમારને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. આર.સી. મકવાણાને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી, દેવાભાઈ માલમને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. રાઘવજી પટેલને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. હર્ષ સંઘવીને ગાંધીનગર જિલ્લા, શહેરના પ્રભારી મંત્રી તરીકેને જવાબદારી સોંપાઈ છે. 

રાજ્યમાં ૯ર.૯ર લાખ ઘરો સામે ૮૧.૪૧ લાખ ઘરો એટલે કે ૮૭.૬ ટકા ઘરોનું નળ જોડાણ પૂર્ણ થઇ ગયુ છે, બાકી રહેલા ઘરોમાં આગામી ૧ વર્ષમાં જોડાણ પૂર્ણ કરાશે તેમ તેમણે કહ્યું હતું. 
 ગ્રામસભાઓમાં જે એજન્ડાનો સમાવેશ થયો છે તેની વિગતો આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે. 

 તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપૂના ‘સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’ના સંદેશને આત્મસાત કરતાં સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડીયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે તેનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે.   તદઅનુસાર, ગ્રામસભાઓમાં જલ જીવન મિશન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, કોવિડ-19 વેક્સિનેશન માટે જનજાગૃતિ અને વતન પ્રેમ યોજના સહિત ૧પમાં નાણાપંચની કુલ રૂ. ૫૫૫૭ કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો અંગે માર્ગદર્શન અપાશે. 

 કલીન ઇન્ડીયા કાર્યક્રમ અન્વયે ગ્રામ્યકક્ષાએ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી રોગનિવારક પગલાં, સમગ્ર ઓકટોબર મહિના દરમ્યાન દરેક ગામોમાં સફાઇ ઝૂંબેશ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે તેની પણ વિસ્તૃત છણાવટ પ્રવકતા મંત્રીશ્રીઓએ કરી હતી. 

 આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં તા.૧ થી ૩૧ ઓકટોબરના સમગ્ર માસ દરમ્યાન ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરતા સ્વછતા-સફાઇના કામો મોટાપાયે જનભાગીદારીથી હાથ ધરવામાં આવશે.
 તેમણે ઉમેર્યુ કે, કચરાના ડોર-ટુ-ડોર એકત્રિકરણ ઝૂંબેશ દ્વારા જિલ્લા દીઠ અંદાજિત એવરેજ ૧૧ હજાર કીલો કચરો, ગામ દીઠ અંદાજિત એવરેજ ૩૦ કિલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.