અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અગાઉ સરકારે 100 ટકા ફી માફી આપી હતી જે ખાનગી શાળા સંચાલકોએ સ્વીકારી ન હતી. ત્યારબાદ હાઇકોર્ટ પણ બંન્ને તરફે એક સૂત્રતા લાવી નિર્ણય કરવા કહ્યું હતું જેમાં સરકારે સંચાલકો સાથે ઓફલાઇન અને ઓનલાઇન બેઠકમાં પણ 25 ટકા ફી ઘટાડવા કહ્યું હતું પરંતુ તેમાં પણ હાઇકોર્ટે અસંમતિ બતાવી છે. આજના હાઇકોર્ટના ચુકાદા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય કરવામાં આવશે..


મહત્વનું છે કે રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. કોર્ટમાં એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે, સમાધાન થયું ન હોવાથી ફી મુદ્દે સરકાર જાહેરનામું બહાર પાડી શકતી નથી.

ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને કહ્યું, રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા છે. એપિડેમીક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ મળેલી સત્તાઓ છે. ફી ઘટાડા માટે સરકાર પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, તો કોર્ટમાં અરજી કેમ? કોર્ટે સરકારને કહ્યું, તમે જાતે નિર્ણય લો.અમને મધ્યસ્થી માટે શા માટે કહો છો?

શાળા સંચાલકોએ કહ્યું, સરકાર ફિક્સ ફી ઘટાડાની વાત કરે છે એ મંજૂર નથી. અમે કેસ ટુ કેસ બેઝિઝ પર ફી ઘટાડો કે ફી માફી આપવા તૈયાર છીએ. જેના ઘરમાં કોઈનું મહામારીમાં મૃત્યુ થયું હોય કે આર્થિક મૂંઝવણ હોય તેને મદદ કરીશું. શાળા સંચાલકોએ કહ્યું, જે એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી અમે ઓફર કરીએ છીએ, એની ફી અમે લેવા માંગીએ છીએ.