ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન-4 31મી મે સુધી જાહેર કરી દીધું છે. ગુજરાતમાં પણ ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં શું શું ચાલું રહેશે અને શું શું બંધ રહેશે, તે અંગે વિગતો આપી હતી. જોકે, આ છૂટછાટ સાથે કેટલાક નિયમો પણ અમલી બનાવવાના છે, જેની જાહેરાત આજે ગમે ત્યારે થઈ શકે છે. હવે કેવા નિયમો પાળવાના રહેશે અને કેવી છૂટછાટ મળશે, તે ગાઇડલાઇન જાહેર થયા પછી જ ખબર પડશે.

રાજ્યમાં કન્ટેઇન્મેંટ સિવાયના વિસ્તારમાં વેપાર-ઉદ્યોગ શરૂ થવાનું નક્કી છે. આ અંગેના નિયમો નક્કી કરવા માટે CMની હાઈપાવર બેઠક શરૂ થઈ ગઈ છે. લૉકડાઉન-4 દરમિયાન ગુજરાતના નોન કંટેઇન્મેંટ એરિયામાં વધુ છૂટછાટ મળશે. જો કે,આ છૂટછાટ કેવી મળશે તે અંગે રાજ્ય સરકાર આજે જાહેરાત કરશે. લોકડાઉન-4 અંગે કેંદ્રની ગાઈડલાઈન્સ બાદ રાજય સરકારે રાજ્યમાં કંટેઇન્મેંટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.



રાજ્યના કયા જિલ્લામાં કેવી છૂટછાટ આપવી તે અંગે મુખ્યમંત્રી રૂપાણી હાલ તમામ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ રાજ્ય સરકાર જ લોકડાઉન-4ના નવા નિયમોની જાહેરાત કરશે. જેનો અમલ આવતીકાલ સવારથી સમગ્ર રાજ્યમાં કરાશે. રાજ્ય સરકારે કંટેઇન્મેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે એસટી અને સીટી બસ શરૂ કરવાની વિચારણ હાથ ધરી છે.

આ સેવા કઈ રીતે ચાલશે તે અંગેના નિયમો જાહેર કરાશે. રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કફર્યૂ યથાવત રહેશે. તેમાં સામાન્ય જનતાને કોઈ છૂટ ના આપવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે માસ્ક ના પહેરવા અને થૂંકવા બદલ સમગ્ર રાજયમાં 200 રૂપિયાનો કોમન દંડ નક્કી કર્યો છે.