ગુજરાત સરકારે આ સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે અને સાથે સાથે જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની પ્રજાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે મોટી જાહેરાત કરી કે, હવે પછી જાહેરમાં ગુજરાતમાં તમામ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ થૂંકતી પકડાશે તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યના અલગ અલગ શહેરો કે વિસ્તારો પ્રમાણે નહીં પણ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવીને 200 રૂપિયા દંડ લેવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરી દેવાયું છે. જે વ્યક્તિ માસ્ક નહીં પહેરે તેની પાસેથી પણ 200 રૂપિયા દંડ લેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ બંને નિયમોમાં ગુજરાતની જનતા સાથ સહકાર આપે તેવી અપેક્ષા છે. તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ચાલુ રાખવામાં આવશે.