ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી બેકાબૂ બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા ત્રીજા સર્વોચ્ચ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૭,૦૦૯ થઇ ગયો છે અને આ પૈકી ૧૭,૧૨૦ કેસ માર્ચ મહિનાના ૨૧ દિવસમાં જ નોંધાયા છે.
પ્રજાજોગ સંદેશમાં શું કહ્યું રૂપાણીએ
ગુજરાતમાં કોરોનાના કેસ વધવાના પગલે લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે તેવી વહેતી થયેલી અટકળો બાદ વિજય રૂપાણીએ રવિવારે સોશિયલ મીડિયા પર પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંમાં સાથ સહકાર આપવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી હતી. ગુજરાતની જનતાને પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ખાતરી આપી હતીકે, કોઇ અફવામાં દોરવાશો નહીં,ગુજરાતમાં લોકડાઉન નહી થાય.
લોકોએ ગભરાવવાની જરૂર નથી. પ્રજાને મુશ્કેલી ન થાય તે જ સરકારની પ્રાથમિકતા છે. ફેસબુક સહિત સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને એવો વિશ્વાસ આપ્યો કે, કોરોનાને લીધે લોકોને ધંધા રોજગાર બંધ થશે નહીં. કોરોનાના સંક્રમણને જોતાં રાજ્ય સરકારે નિયંત્રણ લાદ્યાં છે જે લોકોના વ્યાપક હિતમાં છે.
કોરોના કેસોમાં ઘટાડો થાય અને સંક્રમિત લોકો જલદી સાજા થઇને ઘેર પરત ફરે તે જ પ્રયાસો કરવામાં આર્વી રહ્યાં છે. આકરાં પગલાં જીવનમાં થોડીક અગવડતા ઉભી કરશે પણ આ કરવું જરૂરી છે. ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો છે.
માસ્કના દંડને લઈ શું બોલ્યા રૂપાણી
ગુજરાતમાં કોરોનાના ટેસ્ટીંગનું પ્રમાણ વધારી દેવાયુ છે. હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં બેડ છે,દવાઓ પુરતા પ્રમાણમાં છે. મુખ્યમંત્રી એ વાતનો ય ખુલાસોકર્યો કે, સરકારને માસ્કનો દંડ લેવામાં રસ નથી. હાઇકોર્ટના આદેશના પગલે માસ્ક ન પહેરી બેદરકારી દાખવનારાં પાસેથી રૂા.1 હજાર દંડ લેવાઇ રહ્યો છે. રૂપાણીએ એવી અપીલ કરી કે, માસ્કનો દંડ જ આપવો પડે તેવી જાગૃતિ સાથેની સ્થિતી આપણે સૌ ઉભી કરીએ.બધા નિયમોનું પાલન કરીએ તો જ કોરોના હારશે અને ગુજરાત જીતશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.