ગાંધીનગરઃ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બન્યા પછી હવે નવા મંત્રીઓ આવતી કાલે શપથ લેવાના છે. આ વખતે મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાશે, તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને મંત્રી બનેલા ત્રણ દિગ્ગજોના પત્તા પણ કપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી બનેલા કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પત્તા કપાયા છે. એટલું જ નહીં, રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓમાં પણ નો રિપીટ થિયરીના સમાચારને લઈને સન્નાટો વ્યાપી ગયો છે. 


રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. શપથવિધિ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથવિધિમાં મંત્રીઓને આવકારવા માટે ફૂલના હાર આવી ગયા છે. તેમજ મહેમાનો માટે ખુરશીઓ પણ આવી પહોંચી છે. તેમજ તેમના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 


હવે મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ત્યારે છેલ્લી ઘડીઓ ધારાસભ્યો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે નામોમાં ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારે જેમના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. તેવા ત્રણ નામ સામે આવી રહ્યા છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, હર્ષ સંઘવી અને સંતરામપુરના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠકના ધારાસભ્ય પ્રો. કુબેર ડીંડોર મંત્રી પદના દાવેદાર છે. તેઓ આદિવાસી સમાજ નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે જવાબદારી મળશે તો સમાજના ઉત્થાન માટે કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.


સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે, ગઈ કાલે જ જે મંત્રીઓને પડતા મુકવાને છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવાય તેવી પૂરી શક્યતા છે. જો આવું થાય તો ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓ જોવા મળશે. આ મંત્રીમંડળમાં બેથી 3 વાર ચૂંટાયેલા ધારાસભ્યો કે, જેમને અગાઉ મંત્રીમંડળમાં સ્થાન આપી શકાયું નથી, તેમનો સમાવેશ કરાશે તેમજ કેટલાક નવા ચહેરા જોવા મળશે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. 


કોળી નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમનું મંત્રી તરીકે નામ નિશ્ચિત થઈ ગયું છે.  દેવાભાઈ માલમ જૂનાગઢની કેશોદ વિધાનસભાના ધારાસભ્ય છે. 59 વર્ષીય દેવાભાઈ મોટા કોળી નેતા છે. દેવાભાઈ વ્યવસાયે ઉદ્યોગપતિ અને સાથે ખેડૂત પણ છે. તેમના પત્ની ગૃહિણી છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી જે નક્કી કરે તે શિરોમાન્ય. મંત્રીમંડળમાં વધુ ફેરફાર થાય તેવી શક્યતા છે. પાર્ટીએ મને ઘણા પદ આપ્યા છે. પાર્ટી જે પણ જવાબદારી આપે તે સ્વીકારવા તૈયાર છું. તક મળશે તો પક્ષ અને પ્રજાનું નિષ્ઠાથી કામ કરીશું, તેમ તેમણે જણાવ્યું હતું.


નવા મંત્રીમંડળને લઈને સ્વર્ણિમ સંકુલમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ઓફિસો ખાલી કરાવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલ -2માં ઓફિસો ખાલી કરાવાઇ છે.  નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરવું પડશે.  


સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્યોને તમામ તૈયારીઓ સાથે આવવા માટે સૂચના આપવામાં આવી છે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે, તેમને ફોનથી સૂચના આપવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈને ફોન આવ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, એવું પણ જાણવા મળ્યું છે કે, નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હોઇ શકે છે તેમજ મંત્રીઓને શપથવિધિ પછી આજે જ ખાતાઓની ફાળવણી થાય તેવી સંભાવનાઓ છે. સૂત્રોના મતે મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા મળી શકે છે. અનુભવી ધારાસભ્યો અને કેટલાક નવા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે. 


જેમના મંત્રી તરીકે નામ પાક્કા માનવામાં આવી રહ્યા છે, તેમની વાત કરીએ તો જીતુ વાઘાણી, ગોવિંદ પટેલ, આત્મારામ પરમાર, ડો.નીમાબેન આચાર્ય, દુષ્યંત પટેલ, કિરીટસિંહ રાણા, મોહનભાઈ ઢોડિયા, કેતન ઇનામદાર, ઋષિકેશ પટેલ, શશિકાંત પંડ્યા અને ગોવિંદભાઈ પરમારના નામ મંત્રી તરીકે પાક્કા માનવામાં આવી રહ્યા છે. જોકે, શપથવિધિમાં જ સાચા નામ જાણવા મળશે. 


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવા મંત્રીમંડળને આખરી ઓપ આપવા ભાજપ કાર્યાલય કમલમ પર મોડી રાત સુધી મંત્રણા ચાલી હતી અને મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.  મોટા ભાગના મંત્રીઓના પત્તા કપાય તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો તમામ ધારાસભ્યોને દસ વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.