ગાંધીનગરઃ ગુજરાતના નવા ચીફ સેક્રેટેરી તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી.  પંકજકુમાર નવા ચીફ સેક્રેટરી તરીકેનો 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળશે. અનિલ મુકિમ વય નિવૃત થશે હાલ તેઓ એકસટેન્સ પર હતા. પંકજ કુમાર 1986 બેચના આઇ.એ.એસ ગુજરાત કેડરના અધિકારી છે. હાલ તેઓ પાસે ACS હોમ નો ચાર્જ હતો.

ગુજરાતના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમને હવે વધુ એક્સટેન્શન અપાયું નથી. કારણ કે ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં ચીફ સેક્રેટરી અનિલ મુકીમે તેમના કાર્યકાળની આ છેલ્લી કેબિનેટ હોવાનું જણાવીને સૌનો આભાર માન્યો હતો. વિધિવત રીતે પોતાનું આ છેલ્લું વીક રાજ્ય સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું.

 

અનિલ મુકીમનો વય નિવૃત્તિ બાદ ગુજરાતમાં CS તરીકે સૌથી લાંબું 6-6 મહિનાનું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ છે.  અનિલ મુકીમ કે જેઓનું પૈતૃક વતન રાજસ્થાન છે, પરંતુ તેમની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યાં છે. ઓક્ટોબર 2001થી જાન્યુઆરી 2005 સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યાં છે. એ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. 

 

અનિલ મુકીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના આઈએએસ અધિકારી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે મુકિમે મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કર્યુ છે. મુકીમ 1985 બેંચના અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના ખાણ વિભાગમાં સચિવ પદ પર પણ કામ કર્યું છે. રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.