ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યમાં દુષ્કાળનો ભય પણ સેવાઇ રહ્યો છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય જાહેરાત કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ધાનાણીએ કહ્યું કે, સરકાર મુખ્યમંત્રી સહાય હેઠળ અને અછત મેન્યૂઅલ મુજબ નિર્ણય કરે. અગાઉ તાઉતે વાવાઝોડા અને હવે ઓછા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.જેથી જે વિસ્તારમાં જમીનતળમાં પાણી ઉંડા હોય ત્યાં 14 કલાક વીજળી આપવામાં આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને 100 ટકા વળતર આપવામાં આવે તેવી ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ પણ કરવામાં આવી છે.


બીજી તરફ રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ડુંગળીમાં આવેલા વાયરસે ખેડૂતોની ઉંઘ ઉડાડી દીધી છે. વડિયા ગામમાં લાલ ડ઼ુંગળી પર વાયરસ ત્રાટકતા ડુંગળીનો પાક સુકાઈ ગયો છે.વડીયા ગામના વતની વિજયભાઈ વસાણીના વસાણીએ પોતાના ચાર વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. બિયારણ જંતુનાશક દવા ખાતર સહિત કુલ ૨૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે અને વાયરસના કારણે તેમની ચાર વીઘાની ડુંગળી સદંતર નિષ્ફળ ગઈ છે.


તે સિવાય અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા સોયાબીનના પાકને નુકસાન થઈ રહ્યું છે. મોંઘા ભાવે બિયારણ લાવી સારા વળતરની આશા રાખી બેઠેલા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1 લાખ 69 હજાર હેક્ટર જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જે પૈકી 30 હજાર હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર કરાયું છ વાવેતર બાદ જિલ્લામાં માત્ર 28 ટકા જ વરસાદ વરસતા હાલ પાકને પાણીની જરૂરિયાત છે. પાણીના અભાવે પાકના પાન પીળા પડી રહ્યા છે. જેથી પાકને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ મેશ્વો અને વાત્રક ડેમને બાદ કરતા એક પણ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા પંદર દિવસમાં એક પણ વાર સિંચાઈ માટેનું પાણી મળ્યું નથી.