ગાંધીનગરઃ રાજ્યના આઠ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જૂલાઇ સુધી વધારવામાં આવી છે.  મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ લેવામાં આવ્યા હતા. રાજ્યના ૮ મહાનગરોમાં 31 જૂલાઇ સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે. તે સિવાય આગામી 20 જૂલાઇથી રાજ્યમાંવોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે. તે સિવાય પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.


કોરોનાના કેસમાં ઘટાડો થતા કોર કમિટી દ્ધારા કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યના જે ૮ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત રહેશે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢનો સમાવેશ થાય છે. આ મહાનગરોમાં રાત્રે ૧૦ થી સવારે છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમિંગ પૂલ આગામી 20 જુલાઇ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે શરૂ કરી શકાશે. તે સિવાય આ સંસ્થાના માલિકો, સંચાલકો, કર્મચારીઓએ 31 જૂલાઇ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે નહી તો આવા વોટર પાર્ક્સ કે સ્વિમિંગ પુલ ચાલુ રાખી શકાશે નહીં.



ઉપરાંત રાજ્યમાં ખાનગી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓને પણ 20 જૂલાઇથી છૂટછાટ આપવામાં આવી છે. પબ્લિક અને ખાનગી ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઉભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એસી  બસ સેવાઓ તેની ક્ષમતાના 75 ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે. તમામ ડ્રાઇવર અને કન્ડક્ટરે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજિયાત છે.


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હોટલ, રિસોર્ટસ-રેસ્ટોરન્સ અને વોટર પાર્કસને એક વર્ષ માટે વીજ બિલમાં ફિકસ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ આકારવા અગાઉ તા.૭મી જૂને નિર્ણય કરેલો છે. આ મુજબ રાજ્યમાં વોટર પાર્કસ માટે પણ ખરેખર થયેલ વીજ વપરાશનું બિલ જ આકારવામાં આવશે પરંતુ ફિકસ ચાર્જ લેવાશે નહિ.