ગુજરાતમાં કોરોના બેકાબૂ છે ત્યારે કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે કોરોના કાબૂમાં આવવાનું નામ જ નથી લેતો. ત્યારે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ હોવાથી ભીડ ભાડ વધારે ન થાય તેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના મંદિરો બંધ રહેશે. તેમાં દ્વારકા, ડાકોર, શામળાજી અને અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે.

24 ઓગસ્ટથી 4 સપ્ટેમબર સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે દર્શનાર્થીઓ મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે. કોરોના મહામારીના પગલે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે કોરોના મહામારીના પગલે તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત યાત્રાધામ ડાકોર અને શામળાજી મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ઈતિહાસમાં પ્રથમવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. કોરોના મહામારીના પગલે 13 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે દ્વારકાધીશ મંદિર બંધ કરવામા આવ્યું છે.