Gujarati New Year: દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તેના ઠીક બીજા દિવસે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે, વિક્રમ સંવત અનુસાર ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે, આ વખતે મંગળવારે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે, આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓ માટે ખાસ પ્રાર્થના કરી છે, મુખ્યમંત્રી વહેલી સવારથી જ માતાજી અને ભગવાનના મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગરમાં આવેલી પ્રસિદ્ધ પંચદેવ મંદિર અને અડાલજમાં આવેલા જાણીતા ત્રિમંદિર પહોંચ્યા હતા, અહીં મુખ્યમંત્રીએ વહેલી સવારે દર્શન-પૂજન કર્યા હતા તેમજ નાગરિકોની સુખાકારી તેમજ સમગ્ર રાજ્ય અને દેશની સર્વાંગી પ્રગતિ હેતુ મંગલ કામના કરી હતી.
આજના દિવસે મુખ્યમંત્રીએ નૂતન વર્ષમાં નવા સંકલ્પો, નવી ઊર્જા, નવી ચેતના સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પણ વાત કરી હતી, તેમને 'સૌના સાથ, સૌના પ્રયાસ' માટે પ્રતિબદ્ધ થવા નાગરિકોને અપીલ કરી હતી.
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન અને આરતીનો લહાવો પણ લીધો હતો. ગુજરાતની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ થાય અને રાજ્ય સર્વાંગી વિકાસના નવા શિખર સર કરે તેવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી.